IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતીને સિરીઝમાં 2-0થી અજેય લીડ લેવા ઈચ્છે છે તો બીજી તરફ ઈંગ્લેન્ડ આ મેચ જીતીને સિરીઝ 1-1થી બરાબર કરવા ઈચ્છે છે. પ્રથમ વનડે મેચ નાગપુરમાં રમાઈ હતી, જેમાં વિરાટ કોહલી રમી શક્યો ન હતો. ઘૂંટણમાં સોજાને કારણે કોહલી પ્રથમ વનડે મેચ રમી શક્યો ન હતો, પરંતુ હવે બીજી વનડે મેચમાં કોહલીના રમવાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
વિરાટ બીજી વનડે રમશે
વિરાટ કોહલી નાગપુર વનડે પહેલા પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણ પર પટ્ટી બાંધેલો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, મેચના એક દિવસ પહેલા, જ્યારે કોહલી પ્રેક્ટિસ કરીને હોટલ પહોંચ્યો ત્યારે તેના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો, જેના કારણે તેને પ્રથમ વનડેમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
હવે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાના એક સૂત્રએ કહ્યું, “વિરાટનો જમણો ઘૂંટણ પ્રેક્ટિસ દરમિયાન ઠીક હતો, પરંતુ જ્યારે અમે ટીમ હોટેલમાં પાછા ફર્યા તો તે સોજી ગયો હતો. જોકે તે બહુ ગંભીર નથી લાગતું. તે કટક વનડેમાં રમશે તેવી પૂરી સંભાવના છે.”

વિરાટ 14 હજાર રન બનાવવાની નજીક છે
ODI ક્રિકેટમાં વિરાટ કોહલીના આંકડા ઘણા પ્રભાવશાળી છે. કોહલીએ અત્યાર સુધી 295 ODI મેચ રમી છે, જેમાં તેણે બેટિંગ કરતા 13906 રન બનાવ્યા છે. જેમાં વિરાટે 50 સદી અને 72 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન વિરાટ કોહલીની એવરેજ 58.18 રહી છે. હવે વિરાટ વન-ડેમાં સૌથી ઝડપી 14 હજાર રનના આંક સુધી પહોંચવાથી 94 રન દૂર છે. આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે કોહલી ઈંગ્લેન્ડ સામેની આ વનડે શ્રેણીમાં આ સીમાચિહ્ન હાંસલ કરશે.
Leave a Reply