Gujarat : સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય બન્યું, 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી ઓળખ.

Gujarat : વર્ષ 2016 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્ટાર્ટઅપ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિકતા, નવીન ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપ્સ તકનીકી પ્રગતિ, રોજગાર નિર્માણ અને આર્થિક સશક્તિકરણ દ્વારા આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દેશમાં 8 જાન્યુઆરી, 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા 1.50 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાંથી ગુજરાતમાં 12,779 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4,200 થી 33 ગણી વધીને 1,54,719 થઈ છે. આ સિવાય ભારત કુલ 118 યુનિકોર્ન સાથે સ્ટાર્ટઅપ હબ બની ગયું છે. વધુમાં, સ્ટાર્ટઅપ ફંડિંગ રૂ. $450 બિલિયન અને સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 31 પર પહોંચી ગઈ છે.

ડિસેમ્બર 2024 સુધીમાં, ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હેઠળ 12,500 થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી છે. હાલમાં અમદાવાદમાં 5,269, સુરતમાં 1,903, વડોદરામાં 1,344, રાજકોટમાં 1,172, ગાંધીનગરમાં 601 સ્ટાર્ટઅપ શરૂ થયા છે. તેમાં 1,343 સાથે આરોગ્યસંભાળ અને જીવન વિજ્ઞાન જેવા ટોચના ક્ષેત્રો, 1,186 સાથે IT સેવાઓ અને 819 સાથે કૃષિ ક્ષેત્રનો સમાવેશ થાય છે.

ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ
ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ”ની સ્થાપના કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 350 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં સ્ટાર્ટઅપ દ્વારા ઉદ્યોગસાહસિકો આત્મનિર્ભર બને અને મોટા પાયે રોજગાર પેદા કરે તે માટે દર વર્ષે એક તારીખ નક્કી કરવામાં આવે છે. “રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ” 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વ હેઠળ ગુજરાત પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહત્વનું યોગદાન આપનાર બન્યું છે. જે અંતર્ગત રાજ્યની નોડલ સંસ્થાઓ, ઇન્ક્યુબેટર્સ, એક્સિલરેટર્સ, સલાહકારો, રોકાણકારો, સરકારી સંસ્થાઓ અને અન્ય હિતધારકો દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

2017માં, ગુજરાતને સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી એવોર્ડ 2017 મળ્યો હતો. વધુમાં, રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 2019, 2020-2021 અને 2022 માટે રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ પણ મળ્યો.

રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર દ્વારા PPP ધોરણે iCreate સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેને વર્ષ 2020 માં ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

iCreate ને તાજેતરમાં બેંગ્લોરમાં આયોજિત ગ્લોબલ ક્લીન મોબિલિટી સમિટના ભાગ રૂપે “ઇમ્પેક્ટ ઇન્ક્યુબેટર ઓફ ધ યર 2024” નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. iCreate એ 553 થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડી છે. વધુમાં, iCreate એન્જલ ફંડમાંથી રૂ. 100 કરોડનો ઉપયોગ સ્ટાર્ટઅપના વિકાસ માટે કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 ડિસેમ્બર 2023ના રોજ “ગુજરાત સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (આઇ-હબ) સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂ. 60 કરોડથી વધુના ખર્ચે બનેલ આ i-Hub સેન્ટરને 1.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં 700થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) દ્વારા રૂ. 10 કરોડથી વધુનું નાણાકીય વિતરણ પણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *