Gujarat News: ગુજરાત સરકારે બાળ અને કિશોર મજૂરી અધિનિયમ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં બાળ મજૂરી સામે કડક કાર્યવાહી કરી.

Gujarat News: ગુજરાત સરકારે બાળ અને કિશોર મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં બાળ મજૂરી સામે કડક કાર્યવાહી કરી છે. શ્રમ આયુક્ત કાર્યાલયે રાજ્યભરમાં 4,824 દરોડા પાડ્યા હતા, જેમાં 455 બાળ મજૂરો અને 161 કિશોર મજૂરો સહિત કુલ 616 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બાળ મજૂરોને રોજગાર આપવા બદલ દોષિતો પાસેથી કુલ 72.88 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે, બાળ મજૂરી કાયદાના ઉલ્લંઘનના કેસોમાં 791 ફોજદારી કેસ અને 339 FIR પણ નોંધવામાં આવ્યા છે.

તપાસ બાદ માતાપિતાને સોંપવામાં આવે છે.
બચાવાયેલા બાળકોને બાળ કલ્યાણ સમિતિ (CWC) દ્વારા તપાસ બાદ બાળકોના ગૃહમાં આશ્રય આપવામાં આવે છે અને માતાપિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યના CWC દ્વારા સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવે છે. જરૂરિયાતમંદ પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ નાણાકીય સહાય અને પુનર્વસનનો લાભ પણ આપવામાં આવે છે.

‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ દર વર્ષે ૧૨ જૂને ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૫ ની થીમ “સલામત અને સ્વસ્થ પેઢી” રાખવામાં આવી છે, જેનો હેતુ યુવા કામદારોની સલામતી અને આરોગ્યમાં સુધારો કરવાનો અને બાળ મજૂરીનો સંપૂર્ણપણે અંત લાવવાનો છે. રાજ્ય સરકારના કડક પગલાં અને પુનર્વસન પ્રયાસોએ બાળ મજૂરી સામે મજબૂત સંદેશ આપ્યો છે અને બાળકોના અધિકારોના રક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ઉદ્યોગોમાં બાળકોનો રોજગાર પ્રતિબંધિત છે.

ભારતીય બંધારણની કલમ 23 હેઠળ જોખમી ઉદ્યોગોમાં બાળકોને રોજગાર આપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. વર્ષ 1986 માં અમલમાં આવેલા બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ અનુસાર, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના કામમાં કામે રાખવા ગેરકાયદેસર છે. ૧૪ થી ૧૮ વર્ષની વયના કિશોરોને નિયમો મુજબ ફક્ત બિન-જોખમી કામોમાં જ કામે રાખી શકાય છે. ગુજરાત સરકારે આ કાયદામાં સુધારો કર્યો છે અને ઉલ્લંઘન કરનારાઓને ૬ મહિનાથી ૨ વર્ષની જેલ અથવા ૨૦,૦૦૦ થી ૧ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરી છે. વારંવાર આવું કરવા પર સજા ૧ થી ૩ વર્ષ સુધી વધારી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *