[ad_1]
Harshal Makwana | I am Gujarat | Updated: Dec 30, 2021, 4:46 PM
સુરતના વેસુ વિસ્તારમાં જુલાઈ મહિનામાં પોલીસ કર્મીઓના મારથી એક યુવાન કોમામાં સરી પડ્યો છે. જે મામલે કોર્ટે પોલીસ કમિશનરને જવાબદાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા તેમજ તપાસના આદેશ આપ્યા છે.

હાઈલાઈટ્સ:
- યુવકને માર મારી કોમામાં પહોંચાડનાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટે આદેશ કર્યો
- જવાબદાર પોલીસ કર્મીઓ એસીપી કક્ષાના ઓફિસર દ્વારા તપાસના આદેશ આપ્યા, સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો
- કર્ફ્યુ બાબતે યુવકે દલીલ કરતાં પોલીસ વાનમાં બેસાડી ઢોર માર્યો હતો, ત્યારથી યુવક હજુ સુધી કોમામાં છે
જુલાઈ મહિનાની ઘટના, મિત્રોને કાફેમાં મળ્યા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો સમીર
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના ભરીમાતા વિસ્તારમાં રહેતો સમીર કામિલ અન્સારી 22 જુલાઈ 2021ના રોજ પોતાના મિત્રો સાથે વેસુના વીઆઈપી રોડ પર આવેલાં એક કાફેમાં ગયો હતો. જ્યાંથી રાત્રિના સાડા આઠ વાગ્યે તે ઘરે જવા પરત ફર્યો હતો. જે બાદ ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નિલેશ, ધનસુખ તેમજ અન્ય સ્ટાફે સમીરને અટકાવ્યો હતો.
પોલીસ સામે દલીલ કરે છે તેમ જણાવી પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો
સમીરને અટકાવ્યા બાદ જ પોલીસે તેનો કોલર પકડી લીધો હતો. અને માસ્ક બરાબર પહેર્યું નથી તેમજ કરફ્યૂનો સમય થવા આવ્યો હોવાનું જણાવી ફરિયાદ દાખલ થશે તેવી ધમકી આપી હતી. જે બાદ સમીરે વિનંતી કરતાં કહ્યું હતું કે, હવેથી માસ્ક બરાબર પહેરીશ. સાથે સમીરે એમ પણ કહ્યું હતું કે, હજુ કરફ્યૂના સમયને વાર છે. જો કે, સમીરનો આ જવાબ પોલીસને પસંદ પડ્યો ન હતો. ‘સામે દલીલ કરે છે, પોલીસને સમય બતાવે છે’ તેમ કહી ઉમરા પોલીસના કર્મીઓએ સમીરને પોલીસની વાનમાં બેસાડી દીધો હતો અને વાનની અંદર જ સમીર સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.
પોલીસકર્મીઓએ સમીરના મિત્રને ફોન કર્યો કે, સમીરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે
મારપીટના થોડા સમય બાદ પોલીસે સમીરના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, ગાડી ધીમી હતી તે સમયે સમીર કૂદી પડ્યો હતો. જેને કારણે તેને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં હોવાનું જણાવ્યું હતું. જો કે, તે બાદ સમીર 23 જુલાઈથી કોમામાં છે અને અત્યારે પાંચ મહિના થઈ ગયા હોવા છતાં પણ સમીર કોમાની બહાર આવી શક્યો નથી. સમીરના પિતા અન્સારી કામિલ અબ્દુલ રઝ્ઝાક ઈશ્કાહે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસે હજુ સુધી તેઓની ફરિયાદ નોંધી ન હતી. જે બાદ સમીરના પરિવારે કોર્ટનો દ્વાર ખટખટાવ્યો હતો. જે બાદ કોર્ટે આ મામલે પોલીસ કમિશનરને જવાબદાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધીને તપાસના આદેશ આપ્યા છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link