[ad_1]
હાઈલાઈટ્સ:
- સાઈબર ફ્રોડ કરતાં શખ્સો તમે વાપરતાં હો એ દરમિયાન જ તમારા સિમકાર્ડનો ઉપયોગ કરી શકે છે.
- સાબરકાંઠામાંથી પકડાયેલા 20,000 સિમકાર્ડમાંથી 500 એક્ટિવ હોવાનો ખુલાસો.
- ટેલિકોમ કંપનીઓ આ સાઈબર ક્રિમિનલો સાથે મળેલી છે કે કેમ તેની તપાસ ચાલુ.
શહેર પોલીસની સ્પેશિયલ ટીમ સિમકાર્ડ રેકેટની તપાસ કરી રહી છે. આ રેકેટના મૂળિયા ઉત્તર ગુજરાતમાં છે. પોલીસની ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સાઈબર ફ્રોડ કરનારા શખ્સો પાસે આશરે 500 એક્ટિવ સિમકાર્ડ છે જે મૂળ માલિક અને ધૂતારાઓ બંને દ્વારા એકસાથે વાપરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આ ધૂતારાઓ લોકોને છેતરવા માટે ઈનએક્ટિવ સિમકાર્ડનો ઉપયોગ કરતાં હતા. જોકે, હવે ચોંકવનારો ખુલાસો થયો છે કે, કોઈનું પણ સિમકાર્ડ ફ્રોડ કરવા માટે વાપરી શકાય છે અને એ પણ ત્યારે જ્યારે મૂળ માલિક તેનો ઉપયોગ કરતો જ હોય.
પોલીસના જણાવ્યા અનુસાર, “ડાર્ક વેબનો ઉપયોગ કરીને આરોપીઓ ટેલિકોમ કંપનીઓ અથવા બેંકમાંથી એક્ટિવ નંબરોનો ડેટા મેળવે છે. તેઓ સિમકાર્ડ ક્લોન કરીને તેનો ઉપયોગ કોલ સેન્ટર રેકેટમાં વિદેશી નાગરિકોને ઠગવા માટે અથવા કોઈની પાસેથી ખંડણી માગવા કરે છે. તેઓ આ સિમકાર્ડ એક-બે દિવસ માટે વાપરે છે. દરમિયાન સિમકાર્ડના અસલ માલિકને આ વાતની ગંધ સુદ્ધાં નથી આવતી.”
સાયબર ક્રિમિનલ એવા સિમકાર્ડની પસંદગી કરે છે જેના પરથી ઢગલાબંધ ફોન થતાં હોય. “આવા સિમકાર્ડ પસંદ કરવાના કારણે પકડાઈ જવાની શક્યતા ઓછી થઈ જાય છે કારણકે સિમકાર્ડનો મૂળ માલિક બિલની તમામ વિગતો ઊંડાણપૂર્વક ચકાસે તેવું ભાગ્યે જ બને છે. જેથી અજાણ્યા નંબર પર કે તેણે ના કરેલા ફોન અંગેની વાત સામે આવતી નથી”, તેમ પોલીસે ઉમેર્યું.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેલિકોમ કંપનીઓના કર્મચારીઓ ગ્રાહકોનો ડેટા આ ધૂતારાઓને આપે છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના તલોદ તાલુકાના અણિયોલ ગામમાંથી વિજયસિંહ ઝાલા નામના શખ્સની ધરપકડ બાદ સિમકાર્ડ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ શખ્સ કથિત રીતે ગેરકાયદે સિમકાર્ડ વેચતો હતો. બાદમાં માલૂમ થયું કે, વિજયસિંહ એક ગેંગ સાથે જોડાયેલો હતો અને તે ડિલિવરીબોય તરીકે કામ કરતો હતો.
“ગેંગ પાસે 20,000 સિમકાર્ડ છે જેમાંથી 500 એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. વિજયસિંહની પૂછપરછ દરમિયાન પોલીસને માહિતી મળી કે, આ ગેંગ બેંક અકાઉન્ટ, ડિજિટલ વૉલેટ અને ઓટીટી એપના એક્સેસ ક્રેડેન્શિયલ વેચતી હતી. આ પ્રકારના ગોરખધંધા ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો જેવા કે, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા સૌથી વધુ પ્રમાણમાં ચાલી રહ્યા છે. શહેર ક્રાઈમ બ્રાંચે 10 ઓક્ટોબરે અજાણ્યા શખ્સો સામે FIR દાખલ કરી હતી.”
[ad_2]
Source link
Leave a Reply