Sabarmati Ashram redevelopment: સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ વિરુદ્ધ ગાંધીજીના પ્રપૌત્રએ કરેલી અરજી હાઈકોર્ટે રદ્દ કરી – sabarmati ashram redevelopment gujarat high court rejects pil filed by tushar gandhi

[ad_1]

અમદાવાદ: મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી દ્વારા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ વિરુદ્ધ કરવામાં આવેલી જાહેર હિતની અરજીને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી હતી. રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે, રિડેવલેપમેન્ટ દરમિયાન આશ્રમના એક એકરના વિસ્તારમાં કોઈ જ પ્રકારનું કામ નહીં કરવામાં આવે અને ડેવલપમેન્ટ આસપાસની જમીન પર થશે.

અરજદારની વ્યથા સાંભળ્યા બાદ અને સરકારે આપેલી ખાતરી રેકોર્ડ કર્યા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કહ્યું કે, રાજ્ય સરકારની ખાતરી બાદ અરજી આગળ સાંભળવાની જરૂર નથી અને તેને ફગાવી દેવામાં આવે છે. અહીં અરજદારની વ્યથાનું નિરાકરણ આવે છે. હાઈકોર્ટે આગળ એમ પણ કહ્યું કે, સરકાર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, તેની સામે કોઈને વાંધો હોય તો તે વ્યક્તિ દીવાની મુકદમો કરી શકે છે પરંતુ આ મુદ્દો હવે જાહેર હિતની અરજીનો નથી.

તુષાર ગાંધીએ હાઈકોર્ટમાં અરજી કરતાં જણાવ્યું હતું કે, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગાંધી આશ્રમમાં હાલમાં ચાલતાં કામમાં વિક્ષેપ પડશે. તુષાર ગાંધીએ રજૂઆત કરી હતી કે, પ્રસ્તાવિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અસંતુલન પેદા કરશે અને ગાંધીજીના આદર્શોને નુકસાન પહોંચાડશે. તેમણે અરજીમાં એક અમ્યુઝમેન્ટ પ્રોજેક્ટને પણ ટાંક્યો અને હાઈકોર્ટને મધ્યસ્થી કરવાની વિનંતી કરી. સાથે જ રજૂઆત કરી કે નિર્ણય પ્રક્રિયામાં ગાંધીવાદીઓને સ્થાન આપવા માટેની જોગવાઈ કરવામાં આવે.

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, આ પ્રકારની નિગૂઢતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કાંકરિયા લેકફ્રંટ અને સાબરમતી રિવરફ્રંટના પ્રોજેક્ટ વિરુદ્ધ પણ દાખવવામાં આવી હતી. જોકે, કોર્ટે છૂટ આપ્યા બાદ આવી અરજીઓ અટકી ગઈ હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આગળ એમ પણ કહ્યું કે, આશ્રમનો એક એકરમાં ફેલાયેલો જે વિસ્તાર છે તેને જેમનો તેમ રાખવામાં આવશે અને કોઈ ફેરફાર નહીં થાય. રિડેવલપમેન્ટના કારણે આશ્રમના મહાત્મ્યમાં વધારો થશે અને રિડેવલપમેન્ટની કામગીરી ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરીના આધારે જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આશ્રમની આસપાસના 55 એકરના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે.

કોર્ટે કહ્યું કે, સરકારે 5 માર્ચે આપેલા આદેશમાં ઉલ્લેખ હતો કે, આ વિશાળ પ્રોજેક્ટ ગાંધીજીના ઈતિહાસ, આઝાદીની ચળવળ અને ગાંધીજીના મહાન વિચારો, આદર્શો અને સિદ્ધાંતોના જતન અને પ્રચાર-પ્રસાર માટે છે. કોર્ટે આગળ કહ્યું કે, ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવામાં આવી છે ત્યારે આશ્રમનું સંચાલન કરતાં ટ્રસ્ટના પ્રતિનિધિઓને આ મુદ્દે કોઈપણ આશંકા હોય તો તેઓ તેમની સમક્ષ રજૂઆત કરી શકે છે. તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું, “આશ્રમ માટે હાનિકારક નિર્ણય એકતરફી રીતે લેવામાં આવ્યો છે તેવી આશંકા દૂર થાય છે. હકીકતે, અમે નોંધ્યું છે કે, આદેશમાં જ ગવર્નિંગ કાઉન્સિલની ભૂમિકા અને જવાબદારીઓ નક્કી કરી દેવાઈ હતી.”

આશ્રમની આસપાસ આવેલા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીઓનું દબાણ હતું તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડ્રાઈવ ચલાવીને દૂર કર્યું હતું. આ મુદ્દે અરજદારે ઉઠાવ્યો હતો ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, આ તેમણે કરેલી અરજીનો મુદ્દો નથી અને આના અસરગ્રસ્તો યોગ્ય કોર્ટમાં અરજી કરી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *