[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Nov 30, 2021, 8:19 AM
ઓમિક્રોન વેરિયન્ટના ભયના પગલે ગુજરાતમાં પણ સરકારે તૈયારીઓ આરંભી દીધી છે. ખાસ કરીને એરપોર્ટ પર જોખમરુપ દેશોમાંથી આવતા પેસેન્જરના RT-PCR ફરજિયાત કરાયા છે.

હાઈલાઈટ્સ:
- ઓમિક્રોનના ભયને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એરપોર્ટ ઓથોરિટીઝ સાથે કરી ઉચ્ચ સ્તરીય બેઠક.
- રાજ્ય સરકારે ફરી એકવાર સરકારી અને પ્રાઈવેટ આઈસોલેશન સેન્ટરને એક્ટિવ કરવાની તૈયારી કરી.
- જોખમરુપ દેશોમાંથી આવતા પેસેન્જરને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ એરપોર્ટમાંથી બહાર જવા દેવામાં આવશે.
આ બેઠકમાં ચર્ચા થયા અનુસાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર RT-PCR કોવિડ પરીક્ષણને વધુ વેગ આપવામાં આવશે, જેમાં ભારત સરકાર દ્વારા જે દેશોને ઓમિક્રોન વાયરસ માટે ‘જોખમરુપ’ ગણાવવામાં આવ્યા છે તેવા દેશોમાંથી આવતા તમામ મુસાફરોને અરાઇવલ પર ફરજિયાતપણે RT-PCR પરીક્ષણમાંથી પસાર થવું પડશે. ‘જોખમરુપ’ દેશમાંથી આવતા મુસાફરો માટે અલગ કતાર પણ બનાવવામાં આવશે. જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમને સીધા જ રાજ્ય સરકાર હસ્તકના નિરીક્ષણ કેન્દ્રોમાં ખસેડવામાં આવશે અને અહીં તેમને આઈસોલેટ કરવામાં આવશે. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે જેમ મહામારીની શરૂઆત અને બાદમાં યુકેમાંથી આલ્ફા વેરિયન્ટના ભયને પગલે સરકારી અને ખાનગી એમ બંને પ્રકારના આઇસોલેશન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ઓમિક્રોન વેરિયન્ટ ધરવતા શંકાસ્પદ મુસાફરો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.
રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ અમારા સહયોગી TOIને જણાવ્યું કે રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક તપાસ સુનિશ્ચિત કરવા માટે તમામ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે. “અમે સુનિશ્ચિત કરીશું કે પ્રવાસીઓને કોઈ અસુવિધા ન થાય. સેમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગ માટે પૂરતી ટીમો રહેશે. એરલાઇન્સ દ્વારા તમામ માહિતી અગાઉથી પૂરી પાડવામાં આવશે જેથી પ્રવાસીઓ આગમન સમયે એસઓપીથી વાકેફ રહે.” શિવહરેએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સોમવારે સાંજે એરપોર્ટની મુલાકાત પણ લીધી હતી. આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી તમામ પોઝિટિવ સેમ્પલ જીનોમિક સિક્વન્સિંગ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલવામાં આવશે. જિનોમ સિક્વન્સિંગમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો જેના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ ડેપો અને હાઇવે સહિત વિવિધ સ્થળોએ આવનારા પ્રવાસીઓના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
આગામી બે મહિના ગુજરાત માટે નિર્ણાયક છે જેમાં લગ્નની સિઝન તેમજ હાઈ પ્રોફાઈલ વાઇબ્રાન્ટ ગુજરાત સમિટ 2022 ની આસપાસ નિર્ધારિત કાર્યક્રમોની વણઝારના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી શકે છે. SOP અનુસાર આ દેશોના તમામ પ્રવાસીઓએ આગમન પર RT-PCR કરાવવું પડશે. જો તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે, તો તેમને આઈસોલેશન સુવિધામાં દાખલ કરવામાં આવશે. જો તેમનો ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તેઓએ સાત દિવસ સુધી હોમ-ક્વોરેન્ટાઈન રહેવું પડશે અને 8મા દિવસે બીજો RT-PCR રિપોર્ટ કરાવવો પડશે. અન્ય દેશોના પ્રવાસીઓ માટે પણ, રાજ્યમાં પ્રવેશવા માટે નેગેટિવ RT-PCR આવશ્યક છે.
SVPI એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ટર્મિનલના અરાઈવલ વિસ્તારમાં RT-PCR પરીક્ષણ માટે છ કાઉન્ટર છે, એમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે આમાં હજુ વધારો કરવામાં આવશે. એરપોર્ટ ઓપરેટર RT-LAMP ટેસ્ટ કરવા માટે મશીન ઇન્સ્ટોલ કરવા અંગે પણ વિચાર કરી રહ્યા છે જે 30 મિનિટમાં પરિણામ આપી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ડિપાર્ચર એરિયામાં રહેલા 100-ઓડ RT-LAMP મશીનોમાંથી જો જરૂરી હોય તો કેટલાકને અરાઈવલમાં ખસેડવામાં આવી શકે છે. એવી ચર્ચા કરવામાં આવી હતી કે જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોની એક અલગ કતાર હશે અને તેઓએ ફરજિયાતપણે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. આ મુસાફરોને તેમના રિપોર્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી શહેરના એરપોર્ટ પરિસરમાંથી બહાર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.” તેમ એરપોર્ટ પર સ્થિત એક સુત્રએ જણાવ્યું હતું.
જ્યારે અમદાવાદ શહેરમાં એરપોર્ટે ઓથોરિટીએ ડોમેસ્ટિક પેસેન્જરો માટે કોઈ RT-PCR ફરજિયાત કરવામાં આવ્યો નથી તો સુરત એરપોર્ટ પર આવતા મુસાફરો પાસેથી નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત છે અને કંડલા એરપોર્ટ પર માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆરનો નિયમ છે. હાલમાં, અમદાવાદ શહેર લંડન સાથે જોડતી ત્રણ સાપ્તાહિક ફ્લાઇટ્સ ધરાવે છે અને પ્રત્યેક ફ્લાઇટ સાથે એરપોર્ટ પર 150 જેટલા મુસાફરો આવે છે. તેવી જ રીતે સુરતથી શારજાહ માટે દર અઠવાડિયે બે ફ્લાઇટ છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply