[ad_1]
વડોદરા, તા. 21 નવેમ્બર 2021 રવિવાર
વડોદરા શહેરના સયાજીબાગ ખાતે જુનાગઢથી બાળ સિંહની જોડી લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે દસ વર્ષ પૂર્વે જુનાગઢથી લાવવામાં આવેલી સિંહની જોડી પૈકી ગેલ નામની સિંહણનું આજે ટૂંકી માંદગી બાદ મોત નિપજ્યું છે.
વડોદરાના કમાટી બાગમાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહણને મોં પર દાઢીના નીચેના ભાગમાં ડાબી બાજુ વાગી જતાં તે પરેશાન હતી અને લગભગ ગત તા.5 મી થી તે બીમાર પડી હતી અને દસેક દિવસથી ખોરાક પણ લેતી નહતી. ચાર દિવસ અગાઉ માત્ર પ્રવાહી લેવાનું શરૂ કર્યું હતું. જેથી તબિયત અંગે પ્રાણીસંગ્રહાલયના સત્તાધીશો ચિંતામાં મુકાયા હતા.
ગેલ નામની આ સિંહણને ચાલુ મહિનાના પ્રારંભે જ વાગી ગયું હતું. પિંજરામાં લાકડાનું માંચડા જેવું બનાવેલું છે. આની આસપાસ સિંહણને રમત રમવાની ખૂબ જ મજા આવે છે. રમત દરમિયાન તેને લાકડાનો કોઈ ભાગ વાગી ગયો હશે તેમ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓનું માનવું હતું. દાઢી પાસે તેને વાગ્યા બાદ લોહી નીકળતા પોતાના નખ મારીને ખંજવાળતાં ઘા વધુ ગંભીર બની ગયો હતો. તેમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું.
સિંહણને ડ્રેસિંગ કરવા છતાં હાલત નહીં સુધરતા છેવટે આણંદ થી વેટરનરી કોલેજના સર્જરી વિભાગના ડોક્ટરને બોલાવ્યા હતા. જેણે જ્યાં વાગ્યું છે ત્યાં સર્જરી કરી ટાંકા લીધા હતા. સિંહ અને સિંહણ વચ્ચે ઝઘડો પણ થયો નથી. જો ઝઘડો થયો હોય તો ઘા ઉપર દાંતના નિશાન હોય. તેને એન્ટીબાયોટિક અને પ્રવાહી ખોરાક પણ આપવાનો શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ સિંહણ નકકર ખોરાક ખાવાનું બંધ કરી દીધું હતું.
સયાજી બાગના પ્રાણી સંગ્રહાલય ના ઝૂ ક્યુરેટર પ્રત્યુષ્ પાટણકરે જણાવ્યું હતું કે જુનાગઢ થી સિંહણ ની જોડી મંગાવવામાં આવી હતી તેમાંથી ગેલ નામ ની સિંહણ નું ટૂંકી બીમારી બાદ આજે સવારે મોત નિપજ્યુ છે. ગેલ ને વાગ્યું હતું તેની સારવાર માટે આણંદથી પણ ડોક્ટરો બોલાવવામાં આવ્યા હતા અને તેનું ઓપરેશન કરી દાઢી ના નીચેના ભાગમાં ટાંકા પણ લેવામાં આવ્યા હતા પરંતુ આજે સવારે તેનું દુઃખદ અવસાન થયું છે તેને ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બનાવેલા નિયમો પ્રમાણે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
પ્રાણીસંગ્રહાલયના અગાઉના ઇતિહાસ જોતાં સિંહ 15 થી 20 દિવસ ભૂખ્યા રહ્યા હોવાનું જણાયું છે. ગેલ સાથે કુવર સિંહ ની જોડી જુનાગઢ થી વર્ષ 2010માં લવાઈ હતી. હાલ બંનેની ઉંમર તેર વર્ષની છે. બંને ને પિંજરામાં સાથે રાખવામાં આવ્યા હતા જેમાંથી ગેલ સિંહણનું મોત નિપજ્યું.
[ad_2]
Source link
Leave a Reply