વડોદરાના આજવા સરોવરમાંથી જંગલી વનસ્પતિ અને વેલાની સફાઈનું કાર્ય ચાલુ

[ad_1]

વડોદરા, તા. 23 નવેમ્બર 2021 મંગળવાર 

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોને પીવાનું પાણી પુરું પાડતા આજવા સરોવરમાં હાલ સામેના કિનારા તરફ ના રામેશરા વિસ્તાર બાજુથી જંગલી વનસ્પતિ અને વેલા તણાઇને આવતાં છેલ્લા 20 દિવસથી આ બધી વનસ્પતિ નો કચરો બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. 

ચોમાસુ પુરૂ થતાં દિવાળી બાદ શિયાળાના દિવસોમાં એ બાજુથી પવન ફૂંકાતા આ વનસ્પતિ અને વેલા સામેથી તણાઈને આજવા તળાવના ટાવર અને આસપાસના વિસ્તારમાં આવે છે. આ વર્ષો જૂની સમસ્યા છે. દર વર્ષે કોર્પોરેશનને તેની સફાઈ કરવી પડે છે. જો સફાઈ ન કરે તો વનસ્પતિ પાણીમાં પડી રહીને કોહવાઈ જતાં તેના લીધે પાણી પણ આછા પીળા રંગનું થઇ જતાં લોકોને જ્યારે વિતરણ કરાય છે ત્યારે ઉહાપોહ થાય છે. 

આ વખતે કોર્પોરેશને કામગીરી આગોતરી ચાલુ કરી દીધી છે, અને રોજેરોજ વનસ્પતિના કચરાને બહાર કાઢી લેવાતા પીળા રંગના પાણી ની ફરિયાદ નહીં આવે. વચ્ચેના સમયમાં તો રોજના 50 માણસો આ કામગીરીમાં જોડાયા હતા. હાલ લગભગ 30 માણસો કામ કરે છે અને રોજનો 10 થી 15 ટ્રેક્ટર  ભરાય તેટલો કચરો બહાર કાઢે છે. આ સમસ્યાનો કાયમી કોઈ ઉકેલ નથી ,કેમકે આજવા વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે ,અને કુદરતી રીતે કિનારા પર વનસ્પતિઓ ઊગી નીકળે છે. જે પવનમાં ફેંકાઈ ને પાણીમાં પડે છે અને તણાઇને કિનારે સુધી આવી જાય છે. 

હજી એકાદ મહિનો કામગીરી ચાલશે .આ સફાઈ ની કામગીરી માટે કોર્પોરેશનને વર્ષે આશરે ત્રીસ લાખનો ખર્ચ થાય છે. આજવા સરોવર થી કોર્પોરેશન ને રોજ આશરે 14 કરોડ લિટર પાણીનો જથ્થો મળે છે. આ પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારને અપાય છે. એમાં વનસ્પતિ ને કારણે પાણી પીળા રંગનું થતા ભૂતકાળમાં ઘણી વાર ઊહાપોહ થયા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *