ધારીમાં ભાજપનાં ચાલુ ધારાસભ્યની પેનલની કારમી હાર, પૂર્વ ધારાસભ્યની પેનલનો વિજય

[ad_1]

વડિયા અને ધારી ગ્રામ પંચાયતમાં ભાજપ વિરૂધ્ધ ભાજપની ટક્કર : વડિયામાં ભાજપ પ્રેરીત ઉપસરપંચની પેનલ સામે ભાજપનાં જ પૂર્વ મંત્રીએ પેનલ મેદાને ઉતારીને વિજય હાંસલ કર્યો

ધારી,વડિયા, : અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો અને દિગ્ગજ નેતાઓએ પણ પોતાની પેનલો ચૂંટણી મેદાને ઉતારી હતી. બે મોટી ગ્રામ પંચાયત ધારી અને વડિયામાં ભાજપ પ્રેરિત બે પેનલો વચ્ચે સામે-સામી આવતા ભાજપ વિરૂધ્ધ ભાજપનો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. 

ધારી ગ્રામ પંચાયતમાં ભાજપના ચાલુ ધારાસભ્ય જે.વી. કાકડિયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સમર્થિત પેનલ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. આ બંનેની શાખ પણ દાવ પર હતી. બીજી તરફ આ બંને પેનલોમાં એક પેનલમાં ધારી તાલુકા ભાજપના પ્રમુખ અને બીજી પેનલમાં અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આગેવાની કરી રહ્યા હતા. મતગણતરી બાદ આ બેઠકને લઈને ચિત્ર સ્પષ્ટ થયું હતું અને ભારે રસાકસી બાદ પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાનું પલડું ભારે રહ્યું હતું. એટલે કે, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભુપતભાઇ વાળાના પત્ની જયશ્રીબેનની સરપંચપદે જીત થઇ હતી અને ધારી ગ્રામ પંચાયતના ૧૮ વોર્ડ પૈકીના ૧૦ વોર્ડ પણ કબ્જે કર્યા હતા. બીજી તરફ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોશી અને ધારાસભ્ય જે.વી. કાકડિયા પ્રેરિત પેનલનો પરાજય થયો હતો. અહીં અમરેલી જીલ્લાની સૌથી મોટી ધારી ગ્રામ પંચાયત કબ્જે કરવામાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો હતો.

એ જ રીતે વડિયા ગ્રામ પંચાયતમાં પણ ભાજપ વિરૂધ્ધ ભાજપનો જંગ જોવા મળ્યો હતો. પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડની પેનલ સામે પૂર્વ ઉપસરપંચ છગન ઢોલરીયાની પેનલ સામ-સામે જંગમાં ઉતરી હતી. જોકે અહીં ઘી ઢોળાયું પણ ખીચડીમાં તેવો ઘાટ ઘડાયો હતો. પૂર્વ મંત્રી પ્રેરિત મનીષ ઢોલરીયા સરપંચ તરીકે અને તેમના ૯ સભ્યો પણ ચૂંટાઈને આવ્યા હતા તો સામેં પૂર્વ ઉપસરપંચ છગનભાઈ ઢોલરીયાની હાર થઈ હતી. બંને ભાજપ પ્રેરિત પેનલો વચ્ચે કાંટે કી ટક્કર સર્જાઈ હતી. જોકે આખરે 352 મતોથી ભાજપ પ્રેરિત જ પેનલનાં મનીષભાઈ ઢોલરીયાનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડની શાખ દાવ પર લાગી હતી. તેમણે પૂર્વ ઉપસરપંચ સામે તેમના જ ઢોલરીયા પરિવારમાંથી સરપંચના ઉમેદવાર મનીષ ઢોલરીયાને સપોર્ટ કર્યો હતો અને જીત મેળવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *