[ad_1]
જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના પાટિયા પાસે એક ગાયઆડી ઉતરતાં કાર પલટી મારી ગઇ હોવાથી કારમાં બેઠેલું દંપતી ખંડિત થયું છે. રાજકોટનું વિપ્ર દંપત્તિ જામકંડોરણામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને રાજકોટ પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પત્નીનું પોતાના પતિની નજર સમક્ષ જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે. જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં હનુમાન મઢી ચોક છોટુ નગર શેરી નંબર ત્રણ માં રહેતા નયનકુમાર પંડ્યા (ઉંમર વર્ષ 65) અને તેમના પત્ની રીટાબેન નયનકુમાર (60) કે જે વયોવૃદ્ધ દંપતી ગઈ કાલે સવારે રાજકોટ થી પોતાની જી.જે.-3 ડી.એમ. 2545 નંબરની કાર લઈને જામકંડોરણામાં તેમના કુટુંબીને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, અને નયનકુમાર કાર ચલાવતા હતા.
તેઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં જામકંડોરણા થી પરત રાજકોટ આવવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન તેઓની કાર કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના પાટિયા પાસે પહોંચતા રસ્તામાં એક ગાય આડી ઉતરી હોવાથી તેને બચાવવા જતાં કાર રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઇ હતી.
જે ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા રીટાબેન ને ગંભીર ઈજા થઈ હોવાથી પોતાના પતિની નજર સમક્ષ જ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.આ ઉપરાંત નયનભાઈ પંડ્યાને પણ ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી 108ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના સંબંધી નિલેશભાઈ મનહરલાલ જોશીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ રીટાબેનના મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતકના પરિવાર માં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply