કોરોના ના વધતા જતા કેસો વચ્ચે પણ રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા યથાવત

[ad_1]

વડોદરા, તા. 29

રાજ્યમાં હવે કોરોનાના આંકડા ચિંતાજનક વધી રહ્યા છે. વડોદરામાં પણ કોરોનાના તથા નવા વેરિયેન્ટ ઓમીક્રોન પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે . હોસ્પિટલોમાં હવે વેન્ટિલેટર અને ઓક્સિજનની બીપ ગુંજી રહી છે. કોરોનાની બીજી લહેર બાદ આર્થિક પરિસ્થિતિ વચ્ચે જજુમતા નાગરિકો ત્રીજી લહેરના ભડકારા વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકોને કોવિડ નિયમોના પાઠ ભણાવતું તંત્ર ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડા તરફ આંખ મિચામણા કરી બેધારી નીતિ અપનાવી રહ્યું છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં  વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે  મંગળવારે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ પ્રાદુર્ભાવ નિમિત્તે જલેબી ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તો બીજી તરફ સુશાસન સપ્તાહના ભાગરૂપે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ માં ખેડૂત દિવસ ની ઉજવણી કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે દરમિયાન લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ બન્ને કાર્યક્રમોમાં અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ  કોરોનાની બીજી લહેર બાદ લોકો આર્થિક પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યા છે. તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગતા મધ્યમ વર્ગનો પરિવાર આગામી દિવસોની પરિસ્થિતિ અંગે મીટ માંડી ચિંતિત બન્યો છે. તો બીજી તરફ રાજકીય સામાજીક તથા ધાર્મિક મેળાવડા દરમિયાન આયોજકો કોરોનાને નેવે મૂકી કોવિડ ગાઈડલાઈનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. આમ જનતા માટે દંડનીય કાર્યવાહી કરતું તંત્ર આ પ્રકારના મેળાવડા સામે મૂક પ્રેક્ષક બની તમાશો જુએ છે. તંત્ર આ બેધારી નીતિના કારણે જનતાનો વિશ્વાસ ગુમાવી બેસે છે. ખરેખર હાલમાં જ્યારે અચાનક કોરોનાના કેસોમા ઉછાળો આવ્યો છે ત્યારે નિયમ ધડનારાઓએ પહેલા પોતે નિયમોનું પાલન કરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડવું જોઈએ.


ચાર વ્યક્તિના ભેગા થવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મેળાવડાના આયોજન યથાવત

વર્ષમાં એક વખત ૩૧મી ડિસેમ્બરની લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ઉજવણી કરતાં હોય છે. છેલ્લા બે વર્ષથી પોલીસ પ્રશાસન દ્વારા કોરોનાના પગલે ચાર વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં પણ પોલીસે કોરોનાના કેસોમાં ઉછાળો જોતા 4 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરી કર્ફ્યુની સમય મર્યાદા વધારવામાં આવી હતી. જોકે કોરોના પોઝિટિવ દર્દી તીવ્ર ગતિએ વધતા હવે 144ની સમય મર્યાદા વધારી 11 મી જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારના મેળાવડા કેટલા વાજબી ? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.


સ્ટેજ ઉપર બિરાજમાન અધિકારીઓ અને પદાધિકારીઓ જ કોવિડ નિયમો અનુસરતા નથી

સ્ટેજ ઉપર સુશોભિત થવા ઉતાવળિયા અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ આ પ્રકારના આયોજન કરનાર આયોજકો સામે કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ તંત્ર આંખ આડા કાન કરે છે. આ પ્રકારના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો તથા એકત્ર થનાર ભીડમાં સોશિયલ ડિસ્ટન્સના ઉલ્લંઘન સાથે માસ્કના નિયમો નેવે મૂકાય છે. પરંતુ સામાન્ય વ્યક્તિ જો કોઈ કાર્યક્રમ કરે અથવા માસ્ક વગર દેખાય તો તંત્ર દંડનીય કાર્યવાહી કરતાં ખચકાતું નથી. જેથી તંત્રએ બેધારી નીતિ નહીં અપનાવી કાયદા અને નિયમો સમાંતર રાખવા અનિવાર્ય છે. જેથી જનતાનો વિશ્વાસ કેળવી શકાય.

[ad_2]

Source link